વીર માંગડાવાળો : આ કથા એક એવા યુવાનની છે, જે પોતાના પ્રેમને સાકાર કરવા માટે જીવન ની પણ પરવા નથી કરતો અને મૃત્યુ પછી પણ પોતાના પ્રેમને જીવંત રાખે છે.ગુજરાતની ધરતી પર ઐતિહાસિક વાર્તાઓ એટલી પ્રચલિત છે કે તે આજના સમયમાં પણ સમયની પળોમાં પ્રિય લાગતી રહે છે. આ કથાઓમાં પ્રેમ અને શૌર્યનું સંયોજન ધરાવતી એક અમર કથા છે
વીર માંગડાવાળો અને પદમાવતીની પ્રેમકથા
હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પ્રાચીનકાળમાં ઘુમલી પર ભાણ જેઠવા રાજપૂતોનું શાસન હતું. ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણેજ હતો અને ફૂલોના બગીચાની સંભાળ રાખતો હતો.
વીર માંગડાવાળો અને સતી પદમાવતીની પહેલી મુલાકાત
એક દિવસ માંગડાવાળો મેળામાં જતો હતો ત્યારે રસ્તામાં પાટણની પદમાવતી અને તેની સહેલી વેલડું લઈને પસાર થઈ રહી હતી. આ સમયે એક હાથી અચાનક ગુસ્સે આવી ગયો અને વેલડું પાડી દેવાની કોશિશ કરવા લાગ્યો, અને ત્યાં વીર માંગડાવાળો પોતાની બહાદુરી દર્શાવતા ઘોડી પર ચઢી આવે છે અને હાથીને કાબૂમાં લાવે છે. હાથીના હુમલામાં ઇજા પામેલા માંગડાવાળાને પદમાવતીએ પોતાની ચૂંદડીનો છેડો ફાડી પાટો બાંધી આભાર વ્યક્ત કર્યો. ત્યાર પછી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી બંને મેળા માં જાય છે. આમ વીર માંગડાવાળો પદ્માવતી ને ચાહવા લાગે છે અને પ્રથમ મુલાકાતમાં જ પદમાવતી પણ માંગડાવાળાના પ્રેમમાં પડી ગઈ.
પ્રેમના પ્રણ અને શંકર ભગવાનની ભક્તિ
પદમાવતીએ મનમાં નક્કી કરી લીધું હતું કે તે માત્ર માંગડાવાળાને જ પરણશે. શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પ્રણ લીધો કે તે મંગડાવાળાને સાથે લગ્ન નહીં કરે, ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચન ચાલુ રાખશે.
વીર માંગડાવાળો યુદ્ધમાં હારી કેમ ગયા?
માંગડાવાળો મિયાણી હરસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા. આ દરમિયાન ઘુમલી પર લૂંટારાઓને ખબર મળી કે માંગડાવાળા ઘુમલી માં નથી એટલે તેમને હુમલો કર્યો અને માલ-ઢોર ને લૂંટી ગયા. ભાણ જેઠવાને આ વાત ની જાણ થતા તે લૂંટારાઓ પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે. તેની જાણ વીર માંગડાવાળાને થતા તે પણ હરસિધ્ધિ માતા ના દર્શને થી યુદ્ધ કરવા નીકળે છે, પણ રસ્તા માં પાટણ ના શંકર ભગવાન મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં પદ્માવતી પણ દર્શન કરીને સામે આવતી મળે છે.
વીર માંગડાવાળા યુદ્ધ કરવા નીકળ્યા હતા પણ સતી પદ્માવતી સામે મળે છે અને કહે છે, જ્યારે થી તમે મને મળ્યા છો ત્યાર થી હું તમને અપાર પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન નહિ થાય ત્યાં સુધી રોજ શંકર ભગવાન ના મંદિરે દર્શન કરવા આવીશ, તમે મારી સાથે લગ્ન કરશો? અને વીર માંગડાવાળા કહે છે,
હા પદ્માવતી હું પણ તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પદ્માવતી વચન માગે છે, અને માંગડાવાળા પદ્માવતી ના હાથ માં હાથ રાખીને વચન આપે છે કે, હું તમારી સાથે જ લગ્ન કરીશ. વીર માંગડાવાળા યુદ્ધ માં લડવા જાય છે, પણ યુદ્ધ કરતા-કરતા તેન મન માં પદ્માવતી ના પ્રેમ ના વિચાર આવતા હતા. પદ્માવતી ના પ્રેમ માં તેમનું હૃદય કોમળ બની ગયું અને લુંટારાઓએ દગો કરીને પાછળ થી ઘા કાર્ય આ દરમિયાન વીર માંગડાવાળા યુદ્ધ માં શહીદ થઈ ગયા.
વીર માંગડાવાળા નો પ્રેમ મૃત્યુ પછી પણ કેવી રીતે સફળ થયો?
શહીદ થયેલા માંગડાવાળાની આ અધૂરી ઇચ્છા ના કારણે તે ભૂત બને છે. જ્યારે પદમાવતીને આ વાતની જાણ થાય છે, ત્યારે તે દુઃખમાં તડપે છે. પરિવારના દબાણ હેઠળ, પદમાવતી ઉનાના પૈસાપાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પરંતુ લગ્નના માર્ગમાં, તેઓ એક વડના ઝાડ નીચે રોકાઈ જાય છે. માંગડાવાળા ના કાકા અરશી આ જાન ના સરદાર હતા. વડ ઉપર થી ભૂત માંગડાવાળા ના લોહી ના આંસુ તેમના પર પડે છે અને તે વિચાર માં પડે છે.માંગડાવાળાએ કાકા અરશી ને તેમની દુઃખી વ્યથા કહી અને તેમની સાથે વરરાજા બનીને લઈ જવાની વિનંતી કરી.
ભૂત માંગડાવાળા વરરાજા બનીને જાય છે અને લગ્ન કરીને પાંચ ફરતા તે જ વડ ના ઝાડ પાસે આવીને વડ માં સમાઈ જાય છે અને અદ્રશ્ય થઇ જાય છે. આ વડનું ઝાડ આજે પણ ‘ભૂતવડ’ તરીકે ઓળખાય છે.
ઝવેરચંદ મેઘાણીના ‘સૌરાષ્ટ્રની રસધાર’માં વીર માંગડાવાળા ની કથા
સૌરાષ્ટ્ર ની રસધાર માં વીર માંગડાવાળા ની કથા નું સંપૂર્ણ વર્ણન સુંદર રીતે કરેલ છે, તેની કેટલીક પંક્તિઓ અહીં ઉપલબ્ધ છે.
સૌ રૂવે સંસાર, એના પાંપણીયે પાણી પડે પણ ભૂત રૂવે ભેંકાર, એના લોચનીચે લોહી ઝરે પાઘડીયું પચાસ, પણ આંટીયાળી એકેય નઈ ઈ ઘોડો ને ઈ અસવાર, હું મીટે ન ભાળું માંગળા પદમા તારો પ્રિતમ, આજ હિરણ ની હદ માં રીયો ઝાઝેરા કે'જો જુહાર, એમ મરતા બોલ્યો માંગળો ઘોડો આવે ઘુમતો, માથે સોનેરી સરતાજ પણ એકલળો અસવાર, હું મીટે ન ભાળું માંગળા
વીર માંગડાવાળાની જગ્યા : ભુતવડ
વીર માંગડાવાળા નું સ્થાન દ્વારકા જિલ્લા ના ભાણવડ માં આવેલ છે. આજે પણ ત્યાં લોકો ત્યાં આવે છે અને પૂજા કરે છે. આશરે 700 વર્ષ જૂનો ભુતવડ તરીકે ઓળખાતો વડ આજે પણ અહીં સ્થિત છે અને કહેવાય છે કે આજે પણ ત્યાં વીર માંગડાવાળા દાદા પરચા આપે છે. આજે પણ ત્યાં કોઈ લગ્ન થાય છે ત્યારે વર કન્યા અહીં આવીને ભૂતડા દાદા ને શ્રીફળ ચડાવે છે અને છેડા-છેડી ની વિધિ પણ કરે છે.
વીર માંગડાવાળો ની વાર્તા પર ગીતો અને ફિલ્મો
પંકજ મિસ્ત્રી ના સ્વર માં “પદ્મા ” ગીત
હાલ માં જ પંકજ મિસ્ત્રી ના અવાજ માં “પદ્મા” નામે ગીત પણ આવ્યું છે જે ખુબ ટ્રેન્ડિંગ માં છે. તેમાં વીર માંગડાવાળા અને સતી પદ્મા વતી ના પ્રેમ નું વર્ણન કરેલ છે
વીર માંગડાવાળો ફિલ્મ
- ઉપેન્દ્ર ત્રિવેદી ની પણ “વીર માંગાડવાળો” ફિલ્મ આવી હતી, જે નીચે જોઈ શકો છો
- સૌરભ રાજ્યગુરુ અને કોમળ ઠક્કર ની પણ “વીર માંગાડવાળો” એક ફિલ્મ છે જે તમે નીચે જોઈ શકો છો.
વીર માંગડાવાળા અને સતી પદ્માવતી ની આ પ્રેમકથા માત્ર પ્રેમકથા નથી, તે શૌર્ય, ભક્તિ અને પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આજે પણ “ભુતવડ” અને વીર માંગડાવાળા ની આ કથા આજ ના પ્રેમી યુગલ ને પ્રેરણારૂપ છે. આ કથા એ સિદ્ધ કરે છે કે સાચો પ્રેમ મૃત્યુથી પણ પરે છે.